ડીસાના કંસારી નજીક શનિવારે મળેલ બાતમી આધારે જીવદયાપ્રેમીઓ દ્વારા કતલખાને લઇ જવાતાં 2 પીકઅપ જીપડાલામાં ક્રૂરતાપૂર્વક ભરેલી પાડીઓ, પાડાઓ અને ભેંસો મળી કુલ 7 જેટલાં જીવોને બચાવી લઇ રાજપુર પાંજરાપોળ-રાજપુરમાં મોકલ્યા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના જીવદયાપ્રેમી હીમાલયભાઇ રમેશભાઇ માલોસણીયા, મનિષભાઇ નારણાજી જાટ, સુરેશભાઇ હરદાભાઇ ચૌધરી અને દિનેશકુમાર નટવરભાઇ ભાટી પાંથાવાડા તરફ જતા હતા. તે દરમિયાન બાતમી મળેલ કે, ડીસા તાલુકાના કંસારી ગામ નજીક શનિવારે સર્વોત્તમ હોટલ નજીક પીકઅપ જીપડાલામાં પાડીઓ, પાડાઓ અને ભેંસો ભરી કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે.

સમાચાર મળતાં તમામ જીવદયાપ્રેમીઓ કંસારી ખાતે દોડી આવ્યા હતા અને 2 પીકઅપ જીપડાલા પૈકી પીકઅપ જીપડાલા નં. GJ-18-AT-0648 અને બીજું પીકઅપ જીપડાલા નં. GJ-08-Z-0023 માં જેમાં ક્રૂરતાપૂર્વક 3 પાડીઓ, 2 પાડાઓ અને 2 ભેંસો મળી કુલ 7 જીવો ભરેલા હતા.

જેમાં ઘાસચારા અને પીવાના પાણીની કોઇ જ વ્યવસ્થા કરાઇ ન હતી. જ્યારે ડીસા તાલુકા પોલીસે 7 જીવો કિંમત રૂ. 14,000 અને 2 પીકઅપ જીપડાલા કિંમત રૂ. 3,00,000 મળી કુલ રૂ. 3,14,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે શનિવારે કંસારી નજીક કતલખાને જતાં 7 અબોલ જીવોને રાજપુર ડીસા પાંજરાપોળના કાર્યકરોએ બચાવી રાજપુર પાંજરાપોળ-રાજપુરમાં લવાતાં ટ્રસ્ટી અરવિંદભાઇ સંઘવીએ તમામ જીવોને જરૂરી તબીબી સારવાર અને ઘાસચારાની વ્યવસ્થા કરી હતી.

જેથી જીવદયાપ્રેમીઓએ બંને પીકઅપ જીપડાલાના ચાલક ઇરફાન આલમભાઇ મુસલા (સુમરા) (રહે. શિવનગર સોસાયટી, તા. ધાનેરા) અને પરવેજભાઇ શરીફભાઇ શેખ (રહે. હુસેની ચોક, તા. ધાનેરા) વાળા સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમ એક્ટ મુજબ ગુનો નોંધી બંને શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.